સ્વ ઉત્કર્ષ માટે જાગૃત બનવું

ભારતીય સંસ્કૃતિમાં સ્ત્રીને દેવી કહી છે. જ્યાં નારી પૂજાય છે ત્યાં દેવો રમે છે, જે કર ઝુલાવે પારણું તે કર જગત પર શાસન કરે’ એવું ઘણું બધું પ્રાચીન સમયથી કહેવાતું આવ્યું છે. પરંતુ હકીકતમાં આ જ દેશમાં આદિકાળથી સ્ત્રીઓનું માન-સન્માન ઘવાયાના તેમજ તેમના પર અત્યાચાર થયાના પુરાવા પણ મળતા રહ્યા છે. દીકરીને દૂધ પીતી કરવાનો રીવાજ,સતીપ્રથા કે વિધવા સ્ત્રીએ જીવતા જીવ જીવતર છોડી દેવા જેવી રહેણી-કરણી, ખાન પાનના બંધનના આકરા નિયમો પાળવા પડ્યા છે. હવે ખુબ બદલાવ આવી ગયો છે પણ છતાં સંપૂર્ણ નાબુદ તો નથી જ થયો. આધુનિક સદીમાં પણ સ્ત્રી-ભ્રૂણહત્યા , ઘરેલું હિંસા, અત્યાચાર કે બળાત્કાર ના બનાવોમાં ખાસ ફેર પડ્યો નથી. ક્યારેય વિચાર્યું કે શા માટે આ બધું આમ જ ચાલ્યા કરે છે ? કેમ તેમાં હકારાત્મક બદલાવ નથી આવતો? એક કારણ એ પણ હોઈ શકે કે સ્વ ઉત્કર્ષ પ્રત્યે સ્ત્રી પોતે જ જાગૃત બની ન હોય. અન્યથા પ્રાચીન સમયથી લઈને આજના અર્વાચીન જગતમાં લાખો-કરોડો નારીઓએ અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી જ છે. જન્મજાત જ સ્ત્રીઓનું મનોબળ,ગ્રહણશક્તિ,અવલોકનશક્તિ ખુબ જ સારા હોય છે. પરંતુ અતિ લાગણીશીલ હોવાને કારણે અન્યને સુખ-શાંતિ આપવા માટે એ બધું જ છોડી દે છે. પોતાની પસંદ, કારકિર્દી બધું જ. અગાઉના સમયમાં તક ઓછી મળતી જયારે હાલ એવું કોઈ બંધન નથી તેથી સ્વ વિકાસ બાબતે સ્વતંત્રતા માણી શકે છે. પરંતુ તકલીફ એ થઇ કે ક્યાંક પ્રગતિ સાધવાના ધખારામાં પોતાનું ‘સ્ત્રીત્વ’ ખોઈ નાખ્યું. તો ક્યાંક પોતાના કાર્યોને સફળ બનાવવા સ્ત્રી-સહજ લટકા ઝટકાનો ઉપયોગ શરુ કર્યો. તો બીજી તરફ ઘર અને બહારની બેવડી જવાબદારી નિભાવવામાં ખુદથી જ વિખુટી પડી ગઈ. સ્ટ્રેસ ને કારણે અથવા તો આધુનિક શોખને અપનાવી ડ્રીન્કીંગ, સ્મોકિંગ, ડ્રગ, અને રેવ-પાર્ટી ,લેઇટ નાઈટ પાર્ટી માં સપડાતી જોવા મળે છે. શિક્ષણ માં માત્ર ભણતર ને જ મહત્વ અપાય છે. ઘડતર અને ગણતરના અભાવે ઘરકામ – કૌટુંબિક જવાબદારી અને સંસ્કારના બદલે ભૌતિકતા ને જ અગ્રસ્થાન અપાયું. જેના પરિણામે યુવતીઓ આર્થિક સધ્ધર તો બને છે પણ ઘરકામ-કુટુંબ પ્રત્યે બેદરકાર બનતી થઇ છે. આર્થિક સંપન્ન ને ‘ઘર’ વસાવવામાં રસ હોતો નથી. ત્યારે જવાબદારી વગર લીવ ઇન રીલેશનશીપ નો સહારો લઇ માનસિક-શારીરિક આધાર મેળવી લે છે. આ સંબંધમાં જો વિશ્વાસઘાતની લાગણી અનુભવે ત્યારે હતાશાનો ભોગ બની વ્યસની બને અથવા આત્મહત્યાનું પગલું ભરે છે. જ્યાં ભણતર સાથે ઘડતર અને ગણતર રૂપી શિક્ષણ મેળવ્યું હોય તેઓ સમજે કે પતિને ઘેર કે પોતાને ઘેર રહેવાનું તો છે જ તો ‘ઘરમાં’ રહેવાનું હોય તો જીવન જરૂરિયાત તો પોષવાની જ હોય. તેથી તેણી આર્થિક પગભર રહેવાની સાથે જ કુટુંબ ઘર ની જવાબદારી પણ લેવા તૈયાર હોય છે. આમ, સંપૂર્ણ સ્વાવલંબી બની રહે છે. ૨૧ મી સદીમાં પણ ભારતીય સ્ત્રીઓમાં ઈર્ષા, અસંતોષ ,રાગ-દ્વેષ, નિંદા-કુથલી અને અંધશ્રદ્ધા જોવા મળે છે. સ્ત્રી જ સ્ત્રી ની .દુશ્મન બની રહે છે. જેના પરિણામે વિનાશ નોતરે છે. આત્મવિશ્વાસ કેળવાયેલો ન હોવાના કારણે પોતાના દુઃખ –સમસ્યાના નિવારણ અર્થે સાધુ બાબાના સાનિધ્યમાં જઈ ચડે છે. નબળી માનસિક સ્થિતિને કારણે મહત્વના તમામ નિર્ણયો અંગે પરાવલંબન ધરાવે છે. વિચારોમાં આધુનિકતા આવે તો સ્વ-ઉત્કર્ષ પ્રત્યે જાગૃત બની શકે. ડૉ જે. એમ. બેરીએ કહેલું કે સ્ત્રી પાસેથી કૃષ્ણ ચાર્મ શીખેલા ! સ્ત્રીના ચાર્મની જો પ્રસાદી મળી જાય તો જીંદગીમાં બીજા કશાની જરૂર ન રહે. ચાર્મ મતલબ ચિત્તાકર્ષતા, મનોહરતા, જાદુ. આધુનિક સમજમાં પદ-પૈસા પાછળ ભાગતી સ્ત્રીઓ પોતાનો ‘ચાર્મ’ ગુમાવી રહી છે. સ્વ ઉત્કર્ષ એટલે માત્ર આર્થિક સધ્ધરતા જ નહિ પરંતુ પોતાનું જીવન સ્વતંત્ર વિચારસરણી મુજબ માણવું એમ થાય. દ્રઢ નિશ્ચય, શિસ્ત, મહત્વાકાંક્ષા અને પ્રતિકારશક્તિ ના ગુણો ખીલવી પોતાનું જીવન ‘મધુવન’ બનાવી શકે. જીવનનું સાચું સુખ આત્મસંતોષ અને સાચી તાકાત મનોબળ તેમજ સાચી મૂડી પરિવાર છે એ સમજીને સ્વીકારી લેવાથી પોતે સન્માનીય બની રહેશે. પારુલ દેસાઈ

5/8/20241 min read

A serene yoga session at sunrise with participants practicing mindful poses in a natural outdoor setting.
A serene yoga session at sunrise with participants practicing mindful poses in a natural outdoor setting.

Calm focus